રૂ.૫૭ લાખ ઉપરાંતનો કાપડનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિનુભાઈ ગોરધનભાઈ વસાણી (રહે. સહજાનંદ હાઇટ્સ, યોગીચોક, સુરત) વિરુદ્ધ મહિધરપૂરા પોલીસ સ્ટેશન રૂ. ૫૭,૩૮,૬૭૬/- નો કાપડ નો માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ન આપતા બી.એન.એસ ૩૧૬(૫), ૬૧(૨) મુજબનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે આરોપીની તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી હતી. જેથી આ આરોપીએ એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી બચાવ રજૂ કર્યો હતો કે, પક્ષકારો વચ્ચે આ બનાવ અગાઉ કાપડ ના માલ ની લેવડદેવડના વ્યવહારો થયા હતા, અને તેમાં પેમેન્ટ પણ ચુકવાયું છે. જેથી આ સંજોગોમાં છેતરપિંડીનો આ કેસ નથી, અને આવો વ્યવહાર નાણાંકીય લેવડ દેવડનો હોવાથી સિવિલ નેચરનો બનાવ છે. જેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને શરતોને આધીન રૂ. ૨૫,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ હુકમમાં કોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી, ગુજરાતની હદ્દ છોડવી નહીં જેવી શરતો ઉપરાંત નજીકનાં 2 સગાના ઓળખપત્ર, આરોપીનું ઈ-મેઈલ, કોન્ટેક્ટ નંબર, મેસેજીંગ એપ્લિકેશન સહિતની વિગત પણ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો હતો.

