જયપુરથી ખરીદીના બહાને આવેલા ઠગે રુા.4.84 લાખના હીરા મોઢામાં સંતોડી ચોરી કરી

સુરત શહેરમાં હીરા વેપારી સાથે ચોંકાવનારી ઠગાઇ અને ચોરીનો બનાવ સામે આવ્યો છે. હીરા ખરીદવાના બહાને આવેલા બે શખ્સોએ વેપારીના ઘરે જ લાખો રુપિયાના હીરા ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ધાસ્તીપુરા રહેતાં સમશુદ્દીન કમાલુદ્દીન શેખ (ઉ.વ. ૪૯) નું કારખાનું અને ઓફિસ કતારગામ જેરામ મોરારની વાડીમાં આવેલું છે. પાંચ વર્ષ પહેલાં તેઓ ખંભાતનાં રાઇબ મંસુરીનાં માધ્યમથી જયપુરનાં અબ્દુલ ફરીદી સાથે સંપર્કમાં આવ્યા હતા. પોતે પણ જયપુરમાં હીરા દલાલી કરતાં હોવાનું જણાવી હીરા ખરીદવામાં રસ ધરાવતાં હોવાનું જણાવી અલગ અલગ પાર્ટીઓને તેમનાં ઘરે લાવતા હતા. પરંતુ એક પણ સોદો પાર પડયો ન હતો. ગત ૧૫મી ફેબ્રુઆરીની સાંજે સવા ચાર વાગ્યે અબ્દુલ ફરીદી એક શખ્સ સાથે આ વેપારીનાં ઘરે આવ્યો હતો. જયપુરનાં અબ્દુલકાદીર તરીકે પોતાની ઓળખ આપતા ૮૪ નંગ હીરા એક ટ્રેમાં જોવા આપ્યા હતા. અડધો કલાક હીરા ચકાસ્યા બાદ હાલ ખરીદી કરવા નહિ માંગતા હોવાનું જણાવી ટ્રે પરત કરવામાં આવી હતી. તેમની સામે જ હીરાની ગણતરી કરવામાં આવતાં ૪.૮૪ લાખ રૂપિયાની કિંમતનાં ચાર હીરા ઓછા જોવા મળ્યા હતા. સીસીટીવી ચેક કરતાં સમશુદ્દીન ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે અબ્દુલકાદીરે હીરા મોઢામાં નાંખતો દેખાઈ આવ્યો હતો. બનાવ અંગે લાલગેટ પોલીસ મથકના સબ ઈન્સપેક્ટર વી.બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

