Voice of Surat

કાળઝાળ ગરમી : લીંબુની આવક ઘટતાં કિલો લીંબુનો ભાવ 150 રૂપિયા!

Posted On: |2 min read
Voice of Surat News

રાજ્યમાં ગરમીનો પારો વધવાની સાથે જ બજારમાં લીંબુની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ સહારા દરવાજા ખાતે આવેલી શાકભાજી માર્કેટ યાર્ડમાં લીંબુની આવકમાં મોટો ઘટાડો નોંધાતા કિલોનો ભાવ રુા.150 કિલો ઉપર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં જ લીંબુના ભાવમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર તેમજ બીજા ઉત્પાદક કેન્દ્રો ઉપરથી માલની આવક ઓછી થઇ રહી છે. જેના કારણે છૂટક બજારમાં લીંબુ ₹120 થી ₹150 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને લીંબુ શરબત વેચતા નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો આવક હજુ ઘટશે, તો આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા સહારા દરવાજા ખાતે આવેલ શાકભાજી માર્કેટના વિક્રેતા મોહમ્મ્દ હનીફભાઇ (લીંબુવાલા)એ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ તેમજ ઠંડા પીણાંના વેપારીઓ પર પણ આ મોંઘવારીની સીધી અસર પડી છે. જો હજુ પણ નવી આવકમાં સુધારો નહીં થાય, તો એપ્રિલના અંત સુધીમાં લીંબુનો ભાવ ₹200 સુધી પહોંચી શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. હાલ તો સામાન્ય માણસ માટે લીંબુ "સોના" જેટલા કિંમતી બની ગયા છે. હાલ લીંબુની ગુણવત્તા મધ્યમ પ્રકારની છે. સારી ગુણવત્તાવાળા લીંબુ પ્રતિ કિલો 150 રૂપિયે મળી રહ્યા છે.ગત વર્ષે ઉનાળામાં સુરત શહેરમાં હોલસેલમાં લીંબુના મહત્તમ ભાવ 120 થી 150 રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ઉછાળો આવતા સામાન્ય માણસથી લઈને વેપારીઓ પરેશાન છે.ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ પાણી અને શિકંજીનો વધુ ઉપયોગ કરતા હોય છે. મોહમ્મદ હનીફભાઇ (લીંબુંવાલા)એ આખરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી લીંબુની જેટલી આવક હોવી જોઇએ તેટલી આવક આવતી ન હોવાથી લીંબુના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો આવનારા દિવસોમાં લીંબુની આવક વધશે તો ભાવોમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. સાથે જ સુરત શહેરના ખાવા પીવાના શોખીન મીજાજના એવા સુરતીઓ રોજ આશરે 20 જેટલું લીંબુ ઉસેટી જતાં હોય છે. સુરતીઓ માટે લીંબુ વિનાની થાળી અધૂરી છે. ગમે તેટલા મોંઘા ભાવ હોવા છતાં સુરતીઓ હોંશે-હોંશે લીંબુ ઉસેટી રહ્યાં હોવાનું સુરતના બજારોમાં જોવા મળે છે.