સંસદમાં ગરમાગરમ ચર્ચા : મહિલા અનામત બિલ પર અખિલેશ યાદવ v/s અમિત શાહ

મહિલા અનામત બિલ અને પ્રસ્તાવિત સીમાંકન બિલને લઈને સંસદમાં રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. સરકાર અને વિપક્ષ આ મુદ્દા પર આમને-સામને છે. ગુરુવારથી શરૂ થયેલા સંસદના વિસ્તૃત સત્રમાં ગરમાગરમ ચર્ચા જોવા મળી રહી છે. શાસક નેતા અખિલેશ યાદવે કહ્યું, "અમે મહિલા બિલના પક્ષમાં છીએ. તમે ઉતાવળમાં કેમ છો? તમે વસ્તી ગણતરી કેમ નથી ઇચ્છતા? તમે વસ્તી ગણતરી કરાવવા માંગતા નથી કારણ કે વસ્તી ગણતરી થતાંની સાથે જ આપણે બધા જાતિગત વસ્તી ગણતરીની માંગ કરીશું, અને જાતિગત વસ્તી ગણતરી પછી, આપણે અનામતની માંગ કરીશું. એટલા માટે તમે તેને છેતરપિંડી દ્વારા લાવવા માંગો છો." ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "હું દેશના લોકોને જણાવવા માંગુ છું કે વસ્તી ગણતરી ચાલી રહી છે. સરકારે પહેલાથી જ જાતિ ગણતરી કરવાનો નિર્ણય લીધો છે... હાલમાં ગણતરી થઈ રહી છે. ઘરોમાં કોઈ જાતિ હોતી નથી. જો સમાજવાદી પાર્ટીનું ચાલે તો તે ઘરોની જાતિ પણ નક્કી કરત. જ્યારે નાગરિક વસ્તી ગણતરી કરવામાં આવશે, ત્યારે એક જાતિ કૉલમનો સમાવેશ કરવામાં આવશે. આ મારો વિભાગ છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આ વસ્તી ગણતરી જાતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે." લોકસભામાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મહિલા અનામત કાયદામાં સુધારા અને સીમાંકન પંચની રચનાનો સમાવેશ થાય છે, જેના કારણે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષે આ પ્રસ્તાવિત બિલોનો સખત વિરોધ કર્યો હતો અને તેમને ગેરબંધારણીય ગણાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન રામ મેઘવાલ અને અમિતે આ બિલ રજૂ કર્યા હતા.
પ્રસ્તાવિત બંધારણ સુધારા બિલ મુજબ મહિલા અનામત લાગુ કરવા માટે 2029ની લોકસભા ચૂંટણી પહેલા સીમાંકન પછી લોકસભા બેઠકોની સંખ્યા 543થી વધારીને મહત્તમ 850 કરી શકાય છે. તે 33 ટકા મહિલા અનામત સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં બેઠકોમાં વધારો કરવાની પણ જોગવાઈ કરે છે. બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત બેઠકો વિવિધ મતવિસ્તારોમાં રોટેશનલ ધોરણે નક્કી કરવામાં આવશે. દરમિયાન, ઘણા વિપક્ષી પક્ષોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સીમાંકન સંબંધિત જોગવાઈઓનો સંયુક્ત રીતે વિરોધ કરશે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવાના વિરોધમાં નથી.(એજ્સી-ન.ગુ.)

