આરોપીને બચાવવા પોલીસનું ષડયંત્ર? આરોપીની ધરપકડ કે મુદામાલ રિકવર કર્યા વિના પોલીસે ચાર્જશીટ કરી દીધી : હાઈકોર્ટનો તપાસનો આદેશ

ગુનાહિત વિશ્વાસઘાત અને એટ્રોસિટીના ગુનામાં આરોપીઓની ધરપકડ કે મુદામાલ રિકવર કર્યા વિના પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરી દેતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ પહોચ્યો હતો. જેમાં આઠ અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી કરવા હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ એટોપનગર સોસાયટી ખાતે રહેતા અલ્પેશ બરિખાએ હર્ષિત સંજય જૈન, સંજય મદનલાલ જૈન અને રેખાબેન સંજય જૈન (તમામ રહે, ૩૦૨, ઋષિવિહાર હાઇટ, વેસુ, સુરત) સામે ખટોદરા પોલીસ મથકમાં ઈ.પી.કો કલમ ૪૦૬,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫-અ), ૩(૧)(આર)(એસ) મુજબની 8-11-2023 ના રોજ એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી ન હતી કે મુદામાલ પણ રિકવર કરવામાં આવ્યો ન હતો, અને કોર્ટમાં ડાયરેક્ટ ચાર્જશીટ કરી દેવામાં આવી હતી. જેથી ફરિયાદીએ તા. ૮ મે ૨૦૨૪ ના રોજ જવાબદારો સામે પગલાં લેવા સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસના આ વર્તનથી નારાજ થઈ ફરિયાદીએ એડવોકેટ અશ્વિન જોગડીયા અને રાજેન જાદવ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી. જેની સુનાવણી દરમિયાન તેમણે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા તપાસમાં ગંભીર બેદરકારી દાખવાઇ છે. ફરિયાદીએ તપાસ કરનાર અમલદાર સહિત જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં ફરિયાદીને ન્યાય મળ્યો ન હતો. જે દલીલ માન્ય રાખીને હાઇકોર્ટે ફરિયાદીની પેન્ડિંગ અરજીના સમગ્ર મામલાની આઠ અઠવાડિયામાં તપાસ કરવા સુરત પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.
અત્રે નોંધવું ઘટે કે, ફરિયાદીએ અપૂરતી અને અયોગ્ય તપાસથી નારાજ થઈ એફ.આઈ.આર દાખલ થયા બાદ પોલીસ કમિશનરને લેખિત રજુઆત કરી તપાસ કરનાર અમલદાર સહિત જવાબદાર પોલીસ સ્ટાફ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જો કે તેમાં કોઈ પરિણામ ન મળતા ફરિયાદીએ તમામ સામે હાઈકોર્ટમાં ધા નાંખી હતી.

