Voice of Surat

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: સુરત મનપાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ૪૮૩ ઉમેદવારો મેદાનમાં

Posted On: |2 min read
ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ૧૬ ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચ્યા; ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ત્રિપાંખિયો જંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આગામી તા.૨૬મી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો માટે મતદાન યોજાશે. સુરત મનપાના ૩૦ વોર્ડની બેઠકો માટે શરૂઆતમાં કુલ ૧૦૫૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે,ચકાસણી દરમિયાન ૫૬૧ ફોર્મ રદ થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધુ ૧૬ ઉમેદવારોએ નામાંકનપત્રો પરત ખેંચતા હવે ૪૮૩ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)૧૨૦, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના ૧૧૭, આમ આદમી પાર્ટી (AAP)ના ૧૧૧ અને અપક્ષ તથા અન્ય ૧૩૫ મળીને કુલ ૪૮૩ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. ઉમેદવારીપત્રોની આખરી યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે શહેરના તમામ ૩૦ વોર્ડમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી પ્રચાર વેગવાન બનશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ વહીવટીતંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને સંપૂર્ણ પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે તમામ સ્તરે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાના પાલન સાથે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટેની તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે.