યુદ્ધને કારણે ભારતના 25 લાખ સહિત દુનિયામાં 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે : યુએનનો રિપોર્ટ

અમેરિકા અને ઈરાને બે સપ્તાહનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, પરંતુ ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણાઓ પડી ભાંગતા ફરી તણાવ વધ્યો છે, જેથી આ યુદ્ધ લાંબુ ચાલે તેવી આશંકા છે. જોકે, આ યુદ્ધની ભારત વિપરિત અસર પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતમાં 25 લાખથી વધુ લોકો પર ગરીબીમાં ધકેલાઈ જવાનું જોખમ છે તેમ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે.
આ રિપોર્ટ મુજબ ઈંધણ, ખાતર અને પરિવહન ખર્ચ વધવાથી કૃષિ મોંઘી થઈ શકે છે, જેથી ખેડૂતો પર દબાણ વધશે. સામાન્ય માણસ પણ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના રિપોર્ટમાં વૈશ્વિક સ્તરે 88 લાખ લોકો પર ગરીબી ધકેલાવાનું જોખમ હોવાનો દાવો કરાયો છે. સાથે આ યુદ્ધથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને 299 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. દક્ષિણ એશિયાના લોકો સૌથી વધુ હશે. ચીનમાં પણ ગરીબોની સંખ્યા 1.15 લાખથી વધીને 6.20 લાખ સુધી પહોંચવાની આશંકા છે. જોકે, ચીનની કુલ વસતીની સરખામણીમાં તેની અસર અપેક્ષાકૃત ઓછી રહેશે. આ રિપોર્ટ મુજબ ભારતમાં એચડીઆઈ પ્રગતિમાં લગભગ 0.03થી 0.12 વર્ષ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય નેપાળમાં 0.02થી 0.09 વર્ષ અને વિયેતનામમાં 0.02થી 0.07 વર્ષનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ચીન પર તેનો પ્રભાવ અપેક્ષાકૃત ઓછો રહેવાનો અંદાજ છે. ચીનમાં એચડીઆઈ 0.01થી 0.05 વર્ષ રહી શકે છે. રિપોર્ટ મુજબ વેપાર અને પૂરવઠા શ્રેણી પર પણ અસર જોવા મળી શકે છે. આ અહેવાલ મુજબ ભારત તેની જરૂરિયાતનું 90 ટકાથી વધુ ઓઈલની જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, જેમાંથી 40 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને 90 ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ સિવાય 45 ટકાથી વધુ ખાતરની આયાત પણ આ જ ક્ષેત્રમાંથી થાય છે અને દેશમાં યુરિયા ઉત્પાદન 85 ટકા આયાતી ગેસ પર નિર્ભર છે. ખાતરની અછત અને ઈંધણના ભાવ વધવાથી ખાદ્ય સુરક્ષા અને ખરીફ મોસમ પર તેની અસર પડવાની આશંકા છે. વધુમાં યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સમાં પણ ઘટાડો થયો છે.

