એન.ડી.પી.એસ. કેસમાં આરોપીને જામીન આપતી નામદાર કોર્ટ

સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં આરોપી મહમદ આફરીદી ઉર્ફે રાજા બમ્બઈયાને નામદાર કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. આરોપી તરફથી રજૂઆત કરનાર વકીલશ્રી મોહીન એચ. પઠાણની દલીલોને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે.વિગતો મુજબ, સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નં. ૧૧૨૧૦૦૫૫૨૫૧૯૩૮/૨૦૨૫ મુજબ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન (ડ્રગ્સ)નો કુલ ૬.૬૪૦ ગ્રામ જથ્થો, જેની અંદાજીત કિંમત રૂપિયા ૬૬,૪૦૦/- થાય છે, કબજે કરવામાં આવ્યો હતો. આરોપી આ જથ્થો છૂટક વેચાણ માટે પોતાના કબજામાં રાખતો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતી.આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને નામદાર કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી.જામીન અરજી દરમિયાન આરોપી તરફથી વકીલશ્રી મોહીન એચ. પઠાણ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપી નિર્દોષ છે અને તેની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. વધુમાં, કેસની હકીકતો અને પુરાવાઓના આધારે આરોપી વિરુદ્ધ કોઈ મજબૂત કેસ બનતો નથી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.બંને પક્ષોની દલીલો તથા કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા વકીલશ્રી મોહીન એચ. પઠાણની દલીલોને માન્ય રાખી આરોપી મહમદ આફરીદી ઉર્ફે રાજા બમ્બઈયાને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.

