કોઈ પણ ઇનવોઇસ કે ટેક્સ ભર્યા વગર બારોબાર બજારમાં વેચી દેવાના 21 વર્ષ જૂના કેસનો આરોપીએ બાકી ડ્યુટી ભરી દેતા અંત

21 વર્ષ જૂના એકસાઈઝ ડ્યુટી ચોરી કેસમાં આરોપીએ ડ્યુટી ભરી દેતા સરકાર પક્ષ દ્વારા કેસ વિડ્રો કરવામાં આવ્યો હતો. વર્ષો જૂના આ કેસમાં આરોપી વિરુદ્ધ વોરંટ નીકળ્યા બાદ કેસનો સુખદ અંત આવ્યો હતો અને સરકારને આવક થઈ હતી. બીજી બાજુ આરોપીને સરકારની સબકા વિશ્વાસ સ્કીમ હેઠળ રૂ. 33 લાખ ઉપરાંતની રાહત પણ મળી હતી.
આ કેસની વિગત એવી છે કે, સેન્ટ્રલ એકસાઈઝ દ્વારા કોર્ટમાં વર્ષ 2004 માં M/s યુનિયન ક્વોલિટી પ્લાસ્ટિક લિમિટેડ સહિત જુઝર અહમદ કાઠાવાલા, વિલાસ વિષ્ણુ માને અને મગન કાપડિયા સામે અંદાજે ૧.૬૦ લાખ કિલો ફેબ્રિક સહિતનો માલ કોઈ પણ ઇનવોઇસ કે ટેક્સ ભર્યા વગર બજારમાં વેચવામાં આવ્યો હોવાનો કેસ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ સામે રૂ.૪૭,૯૫,૬૨૭ ની એક્સાઈઝ ડ્યૂટીની ચોરીનો આરોપ હતો. શરૂઆતમાં આ કેસ વર્ષ 2004 માં વલસાડની કોર્ટમાં શરૂ થયો હતો અને વર્ષ 2018 માં ઉમરગામ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. જો કે ટ્રાયલ દરમિયાન આરોપીઓ હાજર ન રહેતા સતત તારીખો જ પડી રહી હતી. દરમિયાન જૂન-2025 માં આ કેસ આગળ ચલાવવા નવ નિયુક્ત એસપીપી (સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર) અશ્વિન જે. જોગડિયાની નિમણુંક કરવામાં આવી હતી. જેથી તેમણે આરોપીઓ કોર્ટમાં આવતા ન હોય ધરપકડ વોરંટની અરજી આપી હતી. વોરંટની બજવણી થતાની સાથે જ એ વાત રેકર્ડ પર આવી હતી કે આરોપીઓએ ભારત સરકારની 'સબકા વિશ્વાસ' સ્કીમ હેઠળ રકમ ભરી દીધી છે. જેથી સુરત જીએસટી એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ વિભાગ દ્વારા નાણાં રિકવર થઈ ગયા હોવાથી કેસ પરત ખેંચી લેવામાં આવ્યો હતો અને તેનાં પર કોર્ટે મંજૂરીની મહોર મારી હતી.
આ કેસમાં આરોપીઓને સબકા વિશ્વાસ સ્કીમ હેઠળ રૂ.33,56,983 ની ટેક્સ રાહત પણ મળી હતી, તથા તેમણે 14.38 લાખ ઉપરાંતની ડ્યુટી ભરી હતી. જેનાથી વર્ષોથી તારીખોમાં અટવાયેલા કેસનો નિકાલ થયો હતો અને સરકાર ને રેવન્યુ પણ મળી હતી.
શું છે 'સબકા વિશ્વાસ' સ્કીમ?
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર જોગડિયાએ જણાવ્યું હતું કે, આ સ્કીમ સબકા વિશ્વાસ (લેગસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન) નામથી ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ કર વિવાદોને સંપૂર્ણ અને અંતિમ રીતે સમાપ્ત કરવાનો, કરદાતાને કાનૂની નિશ્ચિતતા આપવાનો અને વિભાગ તથા કરદાતા બંનેને વધારાની કાર્યવાહીથી મુક્ત કરવાનો છે. આ યોજના કરદાતા માટે કાનૂની નિશ્ચિતતા અને શાંતિ પૂરી પાડે છે તથા વિભાગ માટે લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવે છે. ડિસ્ચાર્જ સર્ટિફિકેટથી કરદાતાને વધારાની કર જવાબદારી, વ્યાજ કે દંડથી મુક્તિ મળે છે અને આવરી લેવાયેલ મુદ્દા તથા સમયગાળા અંગે ફરી કોઈ કાર્યવાહી શરૂ ન થાય તે સુનિશ્ચિત થાય છે. જેના આધારે સરકારને રોકાયેલા કરની પ્રાપ્તિ મળે અને કોર્ટ કેસનો પણ નિકાલ થઈ શકે.

