ઓસ્ટ્રેલિયનોને મોટી રાહત,ફ્યુઅલ ટેક્સમાં 50% નો ઘટાડો થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે!

વૈશ્વિક સ્તરે વધી રહેલા તેલના ભાવો અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવની અસર હવે વિશ્વભરના અર્થતંત્રો પર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પોતાના દેશના નાગરિકોને આર્થિક બોજમાંથી ઉગારવા માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપતા વડાપ્રધાને જણાવ્યું કે, આ રાહત આગામી ત્રણ મહિના માટે એટલે કે 30 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓફિસ જતા કર્મચારીઓ અને શાળાએ જતા બાળકોના વાલીઓ પર વધતા પરિવહન ખર્ચને ઓછો કરવાનો છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધો અને સંઘર્ષોને કારણે સ્થાનિક બજારમાં જે ભાવવધારો થયો છે, તેને નિયંત્રિત કરવા માટે આ પગલું અનિવાર્ય હતું. આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાને દેશવાસીઓને સંયમ રાખવા અને એકતા દાખવવા અપીલ કરી છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ સંગ્રહખોરી કરવાને બદલે માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે. આ વ્યવસ્થાથી 30 જૂન સુધી ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે, જે મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

