ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષ ર૦ર૪–રપ માટે ૧પ કેટેગરીમાં SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાઇ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રવિવાર, તા. ૧ર એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GCCIના પ્રમુખ અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી સંદીપ એન્જિનિયરે મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સમારોહમાં સર્વેને આવકારી સ્વાગત સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી રજનીકાંત મારફતિયાને તેમના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન ઉદ્યોગની સાથે સમાજના ઉત્થાન માટે જે વ્યકિતઓ અને સંસ્થાઓ મહત્વનું કામ કરે છે તેઓને બિરદાવવાના હેતુથી SGCCI ગોલ્ડન જ્યુબીલી મેમોરીયલ ટ્રસ્ટ અને ગોલ્ડન જ્યુબીલી એવોર્ડની શરૂઆત કરી હતી. આ એવોર્ડ દ્વારા સમાજને એક સારો સંદેશો આપી શકાય છે કે, જો તમે ઇન્ડસ્ટ્રી અને સમાજ માટે નોંધનીય કાર્ય કરો તો સમાજ તમારી યોગ્ય કદર કરે જ છે અને તેને કારણે અન્યોને પણ પ્રોત્સાહન મળે છે.
સમારોહના મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવનારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તથા એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, તેમની કારકિર્દીની શરૂઆત પણ સુરતમાંથી જ થઈ હતી અને આ શહેરે તેમને ઘણું શીખવ્યું છે. તેમણે SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિને ખૂબ સરાહનીય ગણાવી હતી. આ પ્રકારની પહેલ ઉદ્યોગ જગતમાં નવી પ્રેરણા પૂરું પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી એન્જિનિયરે જણાવ્યું હતું કે, આ ઉત્તમ પ્રવૃત્તિથી પ્રેરણા લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આવી જ રીતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે. સાથે જ તેમણે ચેમ્બરને એમએસએમઇ, સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સ્તરે એક–બે નવા એવોર્ડનો સમાવેશ કરવા અનુરોધ કર્યો હતો.
SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે એન્વાયરો કન્ટ્રોલ પ્રા.લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. નિમેષ વશીને 'સ્પેશ્યલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ડો. નિમેષ વશીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ માત્ર સન્માન નહીં પરંતુ આશિર્વાદ છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પર્યાવરણનું સંરક્ષણ એક ગંભીર અને પડકારજનક વિષય બની રહ્યો છે, ત્યારે પર્યાવરણના રક્ષણ માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓને ચેમ્બર દ્વારા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાની પહેલ અત્યંત પ્રશંસનીય છે, જે વધુ ઉત્તમ કાર્ય માટે પ્રેરણા પૂરું પાડે છે. ડો. વશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સુરત સહિત કુલ ૪પ શહેરોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં સુરતના પ્લાન્ટને ભારત સરકાર દ્વારા પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. સુરતમાં નિવાસ કરતા હોવાને કારણે તેમને ગર્વની લાગણી થાય છે કે, સુરત શહેરનું વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'બ્રાન્ડ સુરત'ને આગળ વધારવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
SGCCI ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટના ચેરમેન શ્રી રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩૬ વર્ષથી ટ્રસ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ અને ચેમ્બર ઓફ કોમર્સ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે સેવા લેવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦ર૪–રપ માટે ૧પ કેટેગરીમાં એવોડર્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
1. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન વિવિંગ સેકટર – આસ ટેક (AAS TECH)ને એનાયત કરવામાં આવ્યો હતો.
2. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર – રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડ (Raymond Lifestyle Ltd, Valsad)ને એનાયત કરવામાં આવ્યો હતો.
3. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર – શ્રી ઇસ્કોન જરી હાઉસ (Shri ISCON Jari House)ને એનાયત કરવામાં આવ્યો હતો.
4. શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ – યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Yasho Industries Ltd, Dahej)ને એનાયત કરાયો હતો.
5. શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ – અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (Anupam Rasayan India Ltd)ને એનાયત કરાયો હતો.
6. કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન – આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પ્રા.લિ. (Arcelor Mittal Nippon Steel India Pvt Ltd)ને એનાયત કરવામાં આવ્યો હતો.
7. અલિદ્રા એવોર્ડ ફોર એકસલન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી – જનરલ ગૃપ ઓફ કંપનીઝ (General Group of Companies)ને એનાયત કરવામાં આવ્યો હતો.
8. એથર એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશ્યલ વેલ્ફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ – એલ એન્ડ ટી હેવી એન્જિનિયરીંગ (L&T Heavy Engineering)ને એનાયત કરાયો હતો.
9. એનજે ઇન્ડિયા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશ્યલ વેલ્ફેર પ્રોગ્રામ બાય એનજીઓ – રોટરી આઇ ઇન્સ્ટીટયુટ (Rotary Eye Institute, Navsari)ને એનાયત કરવામાં આવ્યો હતો.
10. ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ – એલિયા કોમોડિટીઝ લિમિટેડ (Aelea Commodities Limited)ને એનાયત કરવામાં આવ્યો હતો.
11. અનુપમ રસાયણ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ – એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ (AMNS International School)ને એનાયત કરવામાં આવ્યો હતો.
12. મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન – સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (Sarvajanik College of Engineering & Technology SCET)ને એનાયત કરવામાં આવ્યો હતો.
13. શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકિઝકયુટીવ ઓફિસર – ડો. સુજીત પોલ (ગૃપ સીઇઓ, ઝોટા ફાર્માસ્યુટિકલ લિમિટેડ)ને એનાયત કરવામાં આવ્યો હતો.
14. શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન – શ્રી વિરેન શાહ (ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર, જીવરાજ ટી લિમિટેડ)ને એનાયત કરવામાં આવ્યો હતો.
15. ડો. નિમેષ વશી (ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર, એન્વાયરો કન્ટ્રોલ પ્રા.લિ.)ને સ્પેશ્યલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સમારોહના મુખ્ય મહેમાન, મહાનુભાવો, જ્યુરીઝ, ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ અને મેનેજિંગ કમિટીના સભ્યો સહિત ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને ડો. અનિલ સરાવગીએ સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, SGCCI ગોલ્ડન જ્યુબિલિ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કમલેશ યાજ્ઞિક, ચેમ્બરના પૂર્વ પ્રમુખો તથા ૩૦૦થી વધુ ઉદ્યોગકારો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

