Voice of Surat

સુરતમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન વચ્ચે હરીપુરામાં મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો!

Posted On: |4 min read
લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી: મહિલા પાસેથી 61.780 ગ્રામ મેફેડ્રોન સહિત રૂ.2.33 લાખનો મુદ્દામાલ કબજે; ડ્રગ્સ સપ્લાય કરનાર યોગેશ રેપ સહિત બે શખ્સો વોન્ટેડ

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ તેજ બનાવવાની દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બે દિવસ અગાઉ મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થા અને ડ્રગ્સના વધતા દૂષણ અંગે કરવામાં આવેલી ચર્ચા બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જમીરે ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે શહેરમાં નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વો સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. આ અભિયાન અંતર્ગત લાલગેટ પોલીસે હરીપુરા વિસ્તારમાં દરોડો પાડી એક મહિલા પાસેથી 61.780 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MEPHEDRONE) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ.2,33,940નો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે.

ખાનગી બાતમીના આધારે હરીપુરામાં દરોડો

લાલગેટ પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ હરીપુરા કાંસકીવાડ વિસ્તારમાં મસ્જિદે યુસુફની બાજુમાં આવેલા બાગ એ અબ્દુલ રહેમાન એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટ નંબર 501માં રહેતી રૂબીના યુનુસ ખાન પઠાણ નામની મહિલા બહારથી ડ્રગ્સનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરતી હતી. આ બાતમીના આધારે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

સર્વેલન્સના એ.એસ.આઈ. મોહસીન હુસૈનને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. જોષીની મદદથી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરમિયાન મહિલા આરોપી રૂબીના પાસેથી તેની લેડીઝ બેગમાં સંતાડેલો 61.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત રૂ.1,85,340 આંકવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

ડ્રગ્સ સાથે સાધનો અને રોકડ પણ જપ્ત

પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઇલ ફોન, એક ડિજિટલ વજનકાંટો, નાની સાઇઝની પ્લાસ્ટિકની ઝિપલોક બેગ, એક ચમચી, પારદર્શક પ્લાસ્ટિકનો ડબ્બો અને રોકડા રૂ.15,500 કબજે કર્યા છે. આમ, ડ્રગ્સ સહિત કુલ રૂ.2,33,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ડ્રગ્સના સપ્લાયર સહિત બે શખ્સો વોન્ટેડ

આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન યોગેશ રેપ નામનો શખ્સ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે તેનું પૂરું નામ અને સરનામું જાણી શકાયું નથી. આ ઉપરાંત અન્ય એક અજાણ્યા પુરુષની સંડોવણી પણ સામે આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. હવે પોલીસ દ્વારા ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને સપ્લાય કરવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર B/1121006126607/2026 હેઠળ NDPS એક્ટ-1985ની કલમ 8(C), 22(C) અને 29 મુજબ તા.15 નવેમ્બર, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ PSI એસ.એ. અસારી કરી રહ્યા છે.

લાલગેટ પોલીસની ટીમવર્કથી સફળ કામગીરી

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકી, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.જે. જોષી, PSI એસ.એ. અસારી તથા હેડ કોન્સ્ટેબલ મહિરીકુમાર અનિલભાઈ, મહિલા હેડ કોન્સ્ટેબલ રૂકૈયાબેન જુસબભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ, યુવરાજસિંહ, માલવભાઈ તથા ધર્મેશભાઈ સહિતની ટીમે સંયુક્ત રીતે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.

ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પોલીસનો પ્રયાસ

સુરત શહેરમાં યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા અને ડ્રગ્સના ગેરકાયદે વેપારને જડમૂળથી નાબૂદ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની દિશામાં આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે માત્ર ડ્રગ્સનો જથ્થો પકડવા પૂરતું નહીં, પરંતુ તેની પાછળના સપ્લાયરો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવું પણ પોલીસ માટે મોટો પડકાર રહેશે. હવે વોન્ટેડ આરોપીઓની ધરપકડ બાદ ડ્રગ્સના કારોબારની વધુ કડીઓ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.