સુરતમાં બાળ દત્તક પ્રક્રિયા બની પારદર્શક અને સરળ: વર્ષ ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ૩૬ બાળકોને મળ્યા પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર

અન્સારી તાહીર
નિઃસંતાન દંપતીઓ માટે માતા-પિતા બનવાનું સપનું સાકાર કરવા અને નિરાધાર કે અનાથ બાળકોને એક સુરક્ષિત તથા હૂંફાળું પારિવારિક વાતાવરણ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત પારદર્શક અને કાયદાકીય પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA - Central Adoption Resource Authority) દ્વારા નિર્ધારિત કરાયેલી દત્તક લેવાની આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં એક સમાન રીતે જ નિભાવવામાં આવે છે, અને આ જ રાષ્ટ્રીય ધોરણોનું ગુજરાતના વ્યાપારી પાટનગર સમાન સુરત જિલ્લામાં પણ કડકાઈથી અને સંવેદનશીલતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પ્રાપ્ત થયેલા તાજેતરના આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૦થી શરૂ કરીને ઓક્ટોબર ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં કુલ ૩૬ જેટલા બાળક-બાળકીઓ માટે પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર (Pre-adoption Foster Care) ઓર્ડર આપવામાં આવ્યા છે. ૩૬ માંથી 35 બાળક - બાળકીને ભારતમાં અને એક બાળકીને યુ.એસ.એ.માં દત્તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રક્રિયા થકી અનેક જરૂરિયાતમંદ બાળકોને નવું ઘર અને નવું જીવન મળ્યું છે, જ્યારે અસંખ્ય દંપતીઓના આંગણે કિલકારીઓ ગુંજી છે. આ પ્રસંગેસુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારેદત્તક ઈચ્છુક દંપતીઓને અભિનંદન પાઠવવાની સાથે-સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભાશિષ અને શુભેચ્ઠાઓ પાઠવી છે.
CARA ની રાષ્ટ્રીય નીતિ અને સુરતની ભૂમિકા
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત CARA એ દેશભરમાં દત્તક પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટેનું સર્વોચ્ચ નોડલ બોડી છે. આ વ્યવસ્થાનું મુખ્ય આકર્ષણ એ છે કે દેશના કોઈપણ રાજ્ય કે જિલ્લામાં દત્તક લેવાની પ્રક્રિયા માટેના નિયમો, દસ્તાવેજો અને કાનૂની માળખું બિલકુલ સમાન છે. સુરત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા CARA ના માર્ગદર્શિકાનું અક્ષરસઃ પાલન કરવામાં આવે છે.
સુરત જેવા મોટા અને વિકસિત શહેરમાં જ્યાં રોજગારી અર્થે લાખો લોકો બહારથી આવે છે, ત્યાં અનાથ કે ત્યજી દેવાયેલા બાળકોની સુરક્ષા અને પુનર્વસનની જવાબદારી વહીવટી તંત્ર માટે અત્યંત સંવેદનશીલ વિષય છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સુરત તંત્ર દ્વારા આ પ્રક્રિયાને માત્ર કાગળ પર જ નહીં, પરંતુ વાસ્તવિક સ્તરે પણ પારદર્શક અને ઝડપી બનાવવામાં આવી છે, જેના પરિણામે છેલ્લા પાંચ-છ વર્ષમાં ૩૬ બાળકોને યોગ્ય વાલીપણાનો લાભ મળ્યો છે.
વર્ષ ૨૦૨૦ થી ઓક્ટોબર ૨૦૨૬: એક નજર આંકડાકીય પ્રગતિ પર
કોવિડ-૧૯ મહામારીના કપરા કાળ એટલે કે વર્ષ ૨૦૨૦થી લઈને ઓક્ટોબર ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં દત્તક પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહી છે. તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ આ સમયગાળા દરમિયાન કુલ ૩૬ જેટલા પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર જારી કરવામાં આવ્યા છે.
- પારદર્શકતા અને કાયદાકીય પાલન:દત્તક લેવાની આ આખી સફરમાં કલેક્ટર કચેરી દ્વારા દરેક અરજીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે. બાળકના કલ્યાણને સર્વોપરી ગણીને જ કાનૂની આદેશો પસાર કરવામાં આવે છે.
- પ્રી-એડોપ્શન ફોસ્ટર કેરનું મહત્ત્વ:જ્યારે કોઈ દંપતી બાળક દત્તક લેવા માટે પસંદગી પામે છે, ત્યારે સીધા કાયદાકીય દત્તક આપતા પહેલા તેમને 'પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર' હેઠળ બાળક સોંપવામાં આવે છે. આ સમયગાળો દંપતી અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા અને બાળકના સ્વાસ્થ્ય તથા અનુકૂલનની ખાતરી કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારનો પ્રેરણાદાયી સંદેશ
આ સરાહનીય ઉપલબ્ધિ અને પ્રક્રિયા અંગે વાત કરતાસુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારેદત્તક લેનાર તમામ માતા-પિતાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,"એક બાળકને નવું જીવન, પરિવાર અને પ્રેમ આપવો એ સૌથી મોટું માનવીય પુણ્યનું કામ છે. CARA ના માધ્યમથી સુરતમાં જે પારદર્શક પ્રક્રિયા ચાલી રહી છે તેનાથી સાચા અને યોગ્ય વાલીઓ સુધી બાળકો પહોંચી રહ્યા છે. હું તમામ દત્તક ઈચ્છુક દંપતીઓને અને નવા પરિવાર સાથે જોડાઈ રહેલા બાળકોને તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને સફળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્ઠા પાઠવું છું."
કલેક્ટરની આ હૂંફ અને વહીવટી તંત્રનો સકારાત્મક અભિગમ દત્તક પ્રક્રિયામાં જોડાવા ઈચ્છતા નવા દંપતીઓ માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે.
સમાજ માટે એક સકારાત્મક સંદેશ
સુરત જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયમાં ૩૬ બાળકોને નવું ઘર મળવું એ માત્ર આંકડો નથી, પરંતુ ૩૬ જેટલા નિરાધાર બાળકોના જીવનમાં નવી રોશની ફેલાવ્યા સમાન છે. ગેરકાયદેસર રીતે બાળકોની લેવડ-દેવડ કે અસુરક્ષિત પ્રથાઓથી દૂર રહીને, કાયદેસર અને પારદર્શક CARA ના માર્ગ પર ચાલવા માટે સુરત વહીવટી તંત્ર અને નાગરિકોની આ પહેલ સમગ્ર રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના સક્ષમ નેતૃત્વ અને પ્રશાસનની સંવેદનશીલ કામગીરીના કારણે સુરતમાં દત્તક પ્રક્રિયા વધુ સરળ બની છે, જેનાથી આગામી સમયમાં વધુમાં વધુ અનાથ બાળકોને સહારા અને ખુશીઓ મળી રહેશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દેશ અને વિદેશમાં દત્તક લીધેલા બાળકોની સંખ્યા (ઇન-કન્ટ્રી અને ઇન્ટર કન્ટ્રી)
- ૨૦૨૦-૨૧:દેશમાં ૩ છોકરીઓ અને ૨ છોકરાઓ જેમાં અમદાવાદ, મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, નવી મુંબઇ (મહારાષ્ટ્ર)માં દત્તક લેવામાં આવ્યા હતા. વિદેશી દત્તક નોંધાયા ન હતા, જેથી આ વર્ષનો કુલ આંકડો ૫ બાળકોનો છે.
- ૨૦૨૧-૨૨:દેશમાં ૩ છોકરીઓ અને ૧ છોકરો જેમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, મહારાષ્ટ્રમાં દત્તક લેવામાં આવ્યા હતા. વિદેશમાં દત્તક લેવાયા ન હોવાથી કુલ ૪ બાળકો થયા.
- ૨૦૨૨-૨૩:દેશમાં ૨ છોકરીઓ અને ૩ છોકરાઓ જેમાં વેસ્ટ બંગાળ, અમદાવાદ, મહારાષ્ટ્ર, બેંગ્લોરમાં દત્તક લેવાયા હતા. વિદેશમાં કોઈ દત્તક લેવાયું ન હતું, અને કુલ ૫ બાળકો દત્તક લીધા હતા.
- ૨૦૨૩-૨૪:દેશમાં ૨ છોકરીઓ અને ૨ છોકરાઓ જેમાં મહારાષ્ટ્ર,દિલ્હી, અમદાવાદ, વડોદરામાં દત્તક લીધા હતા. વિદેશમાં કોઈ દત્તક ન હોવાથી કુલ ૪ બાળકો હતા.
- ૨૦૨૪-૨૫:દેશમાં ૭ છોકરાઓ અને વિદેશમાં ૧ છોકરી જેમાં ભાવનગર, અમદાવાદ, મહારાષ્ટ્ર, જામનગર, વડોદરામાં અને એક છોકરીને યુ.એસ.એ.માં દત્તક લેવામાં આવ્યા હતા (જ્યારે દેશમાં છોકરીઓ અને વિદેશમાં છોકરાઓની સંખ્યા શૂન્ય હતી). આ વર્ષનો કુલ આંકડો ૮ બાળકોનો હતો.
- ૨૦૨૫-૨૬:દેશમાં ૪ છોકરીઓ અને ૧ છોકરો હરીયાણા,કેરેલા, મહારાષ્ટ્રમાં દત્તક લેવાયા હતા. વિદેશમાં કોઈ દત્તક ન હોવાથી કુલ ૫ બાળકો થયા.
- ૨૦૨૬ (નવેમ્બર ૨૦૨૬ સુધી):દેશમાં ૫ છોકરીઓ મહારાષ્ટ્ર, ભુજમાં દત્તક લેવામાં આવી છે. દેશમાં છોકરાઓ અને વિદેશમાં કોઈ દત્તક લેવાયા નથી, જેથી અત્યાર સુધીનો કુલ આંકડો ૫ બાળકોનો છે.
સુરતની દીકરીને મળ્યો વિદેશી પરિવાર: યુએસએના દંપતીએ દત્તક લેતા શહેરનું ગૌરવ વધ્યું
સુરત જિલ્લા વહીવટી તંત્ર અને CARA ની પારદર્શક દત્તક પ્રક્રિયાની સફળતાનો વધુ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન સુરતની એક માસૂમ બાળકીને અમેરિકા (USA) ના એક દંપતી દ્વારા કાયદેસર રીતે દત્તક લેવામાં આવી છે. સાત સમંદર પાર એક સુરતી દીકરીને નવો પરિવાર, પ્રેમ અને ઉજ્જવળ ભવિષ્ય મળવું એ સમગ્ર સુરત જિલ્લા માટે અત્યંત ગર્વ અને આનંદની વાત છે. આ ઘટના સાબિત કરે છે કે સુરત તંત્રની અસરકારક અને સંવેદનશીલ કામગીરીને કારણે નિરાધાર બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ વાલીપણું મળી રહ્યું છે.

