Voice of Surat

ACB : ગુજરાતમાં એક વર્ષમાં 152 સરકારી બાબુઓ 13 કરોડની લાંચ લેતા ઝડપાયા!!

Posted On: |2 min read
મહેસૂલ અને ગ્રૃહ વિભાગમાં વધુ ભ્રષ્ટાચારના આંકડા બહાર આવ્યા, રંગેહાથ પકડાયેલા અધિકારીઓ સામે કડક પગલાંની માંગ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહીમાં રાજ્યના વહીવટી તંત્રને હચમચાવી નાખે તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી ૧૫૨ સરકારી કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જેમની પાસેથી આશરે રૂ. ૧૩ કરોડની લાંચના કેસોનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત, આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં સંડોવાયેલા ૨૧ જેટલા ખાનગી વ્યક્તિઓ સામે પણ એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની મોટાભાગના સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. જેમાં સૌથી વધુ કેસો ગૃહ વિભાગમાંથી નોંધાયા છે. ગૃહ વિભાગના ૨૯ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સહિત કુલ ૭૮ લોકો રૂ. ૨૬૪ કરોડની લાંચના કેસમાં પકડાયા છે. જ્યારે મહેસૂલ વિભાગમાં ૨૩ કર્મચારીઓ અને ૧૮ ખાનગી વ્યક્તિઓ સહિત કુલ ૪૧ લોકો સામે કાર્યવાહી કરીને રૂ. ૧ કરોડની લાંચનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયત વિભાગમાં ૨૧ કર્મચારીઓ સહિત ૫૦, શહેરી વિકાસ વિભાગના ૧૬ કર્મચારીઓ સહિત ૩૩, તેમજ આરોગ્ય શિક્ષણ, ઊર્જા, ઉદ્યોગ, નર્મદા અને નાણાં વિભાગના કર્મચારીઓ પણ લાંચ કેસમાં સપડાયા છે. એસીબી દ્વારા નાગરિકોની ફરિયાદોના આધારે ગુપ્ત છટકાં ગોઠવીને લાંચિયા બાબુઓને ઝડપી પાડવામાં આવે છે. પરંતુ સામાન્ય પ્રજાના હક્કના કામો માટે પણ ખૂલ્લેઆમ નાણાં પડાવવામાં આવતા હોવાની આ ઘટનાઓ વહીવટી તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ખડા કરે છે. અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આંકડા માત્ર એસીબીના છટકામાં પકડાયેલા કેસો પૂરતા જ મર્યાદિત છે, જે વાસ્તવિક ભ્રષ્ટાચારના વ્યાપનો માત્ર એક નાનો હિસ્સો દર્શાવે છે. રાજ્યમાં સરકારી સેવાઓ સંપૂર્ણપણે પારદર્શક બને અને સામાન્ય નાગરિકોને કોઈપણ આર્થિક શોષણ વિના પોતાના કાર્યો કરાવવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં સરકારે વધુ કડક પ્રશાસનિક પગલાં અને ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરવાની જરૂરિયાત હોવાની લોકોની માંગ છે.