સુરત ગ્રામ્ય પોલીસમાં દિવાળી બાદ મોટો ફેરફાર!

દિવાળીના તહેવાર બાદ સુરત ગ્રામ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ 57 પોલીસકર્મીઓની બદલીનો આદેશ કરતાં પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મહત્વનો ફેરફાર થયો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસારપોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં પોલીસ કોન્સ્ટેબલ (UPC), હેડ કોન્સ્ટેબલ (UHC), આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (UASI) સહિત વિવિધ કેડરના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી કારણો, જાહેર હિત અને સંબંધિત હોદ્દાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરવામાં આવી હોવાનું આદેશમાં જણાવાયું છે.
મોટાભાગના પોલીસ મથકો અને શાખાઓમાં ફેરફાર!!
સુરત જિલ્લાના ઓલપાડ, મહુવા, કોસંબા, બારડોલી ટાઉન, બારડોલી ગ્રામ્ય, માંડવી, કડોદરા, કામરેજ, પલસાણા અને ઉમરપાડા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ટ્રાફિક શાખાના કર્મચારીઓનો પણ બદલીના આદેશમાં સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.
તાત્કાલિક છૂટા કરી નવી જગ્યાએ હાજર થવા સૂચના?
પોલીસ અધિક્ષકના આદેશમાં સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અમલદારોને બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવા અને તેની જાણ પોલીસ અધિક્ષકની કચેરીને કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.દિવાળી બાદ એકસાથે 57 પોલીસકર્મીઓની આંતરિક બદલીના નિર્ણયને સુરત ગ્રામ્ય પોલીસની વહીવટી વ્યવસ્થામાં મહત્વના ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બદલીઓથી વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં કર્મચારીઓની જવાબદારીઓ તથા ફરજના સ્થળોમાં ફેરફાર થશે.

