Voice of Surat

વિધાનસભા : સંસ્થાઓ-દુકાનોમાં કામના કલાકની મર્યાદા 9 થી વધારી 10 કલાક કરાઇ

Posted On: |2 min read
Voice of Surat News

ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચાને અંતે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) (સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે. કાયદામાં સુધારાથી અગાઉ ૧૦ કે તેથી વધારે કામદારોને બદલે હવે ૨૦ કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ જે દુકાનો અને સંસ્થાઓમાં ૨૦થી ઓછા શ્રમયોગીઓ-કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. દૈનિક કામના કલાકોની મર્યાદા ૯થી વધારીને ૧૦ કલાક કરાઈ છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, દૈનિક કામના કલાકોની મર્યાદામાં ૯ કલાકથી વધીને ૧૦ કલાક કરાઈ છે, ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ પ કલાકથી વધીને ૬ કલાક કરાઈ છે. કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, વર્ષમાં ૩૬૫ દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઈઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.

મહિલાને રાત્રિના સમયમાં કામની પરવાનગી
મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડીયાઘર, મહિલા માટેના શૌચાલય, સલામતીના યોગ્ય રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ તેમજ સંસ્થાથી તેમના નિવાસ સ્થાન સુધી તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય એવી દુકાન અથવા સંસ્થામાં મહિલાને રાત્રિના ૯ કલાકથી સવારના ૬ કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની પરવાનગી અપાશે.

ઓવરટાઈમ કામની મર્યાદા ૩ માસમાં ૧૪૪ કલાક
ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાક હતી. જે હવેના સુધારામાં વધારીને કુલ ૧૪૪ કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારા સાથે શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે.