Voice of Surat

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી : મતદાન મથક બદલવા મેટ્રો કોર્ટ બાર એસો.ની રજૂઆત

Posted On: |2 min read
પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ વકીલોને રોજા રાખીને દૂર મતદાન કરવા જવામાં ભારે અગવડ પડી શકે

વર્ષ ૨૦૨૬ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના મતદાન મથક અંગે વિવાદ થયો છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીને લઈને અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને અમદાવાદના મતદાન મથકમાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અયાઝ શેખ એડવોકેટે પણ મથક બદલવા રજૂઆત કરી છે. જેમાં કહ્યું છે કે, આગામી 6 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. તે સમયે પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી મુસ્લિમ વકીલોને રોઝા રાખીને આટલા લાંબા અંતરે મતદાન કરવા જવામાં ભારે અગવડ પડી શકે તેમ છે. ક્રિમિનલ કોર્ટ બાર એસોના પ્રમુખ અને સેક્રેટરી ચૂંટણી કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આગામી 6 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે અમદાવાદ શહેરના વકીલો માટે મતદાન મથક ‘અટલ કલામ હોલ’ ખાતે રાખવામાં આવ્યું છે. જોકે, બાર એસોસિએશને આ સ્થળ બદલીને જૂની પરંપરા મુજબ ‘ગુજરાત ક્લબ’ (ભદ્ર પાસે) ખાતે રાખવા વિનંતી છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ક્રિમિનલ કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ અને અન્ય ટ્રિબ્યુનલોમાં પ્રેક્ટિસ કરતા વકીલો માટે ભદ્ર પાસેની ‘ગુજરાત ક્લબ’ સૌથી નજીક અને સરળતાથી પહોંચી શકાય તેવું સ્થળ છે. મેટ્રો બાર એસોસિએશનમાં ૫૦૦૦થી વધુ એડવોકેટ્સ છે અને તેમાંથી મોટાભાગના પૂર્વ વિસ્તારમાં રહે છે. અટલ કલામ હોલ દૂર પડતો હોવાથી મતદાનના પ્રમાણ પર અસર પડી શકે તેમ છે.

આ ઉપરાંત ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એડવોકે દ્વારા રિટર્નિંગ ઓફિસરને પત્ર લખીને મતદાન મથક ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલથી બદલીને અન્ય કોઈ મધ્યસ્થ સ્થળે રાખવાની માગ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરી છે કે, ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ શહેરના કોર્ટ વિસ્તારોથી ૮ થી ૧૦ કિલોમીટર દૂર પડે છે. ગરમી અને ટ્રાફિકના કારણે વકીલોને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલી પડી શકે છે.