ગુજરાત હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને CM એ કર્યું નવા આર્બિટ્રેશન સેન્ટરનું ખાતમુહૂર્ત

ગુજરાતના ન્યાયિક ક્ષેત્રમાં એક નવી અને ઐતિહાસિક પહેલ થઈ છે. શનિવારે ગુજરાત હાઇકોર્ટ ખાતે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ (અત્યાધુનિક) આર્બિટ્રેશન સેન્ટરના નવા ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરના લોગો, રિ-ડિઝાઈન કરેલી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ‘ગ્લોબલ આર્બિટ્રેશન હબ’ બનાવવાની દિશામાં ન્યાયિક સુધારાઓ વેગવંતા બન્યા છે. રાજ્ય સરકાર ન્યાયિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે, જેના ફળસ્વરૂપે તાજેતરના બજેટમાં કાયદા વિભાગ માટે 2700 કરોડ રૂપિયાથી વધુની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં જંગી વિદેશી રોકાણ આવી રહ્યું છે ત્યારે વ્યાપારી વિવાદોના ઝડપી ઉકેલ માટે આર્બિટ્રેશન સેન્ટર ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે એક મહત્વનું પરિબળ સાબિત થશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે ભૌતિક માળખું (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) એ માત્ર એક સુવિધા નથી, પરંતુ તે સંસ્થાની વિશ્વસનીયતાનો સાચો પુરાવો છે. તેમના મતે, જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય રોકાણકાર આવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરમાં આવે છે, ત્યારે તેને આપોઆપ વિશ્વાસ બેસે છે કે અહીં તેને નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય મળશે. સાથે જ, ડિજિટલ ક્રાંતિના યુગમાં નવી વેબસાઈટ અને અધ્યતન ડિજિટલ સુવિધાઓથી ભારતની આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ પારદર્શક અને આધુનિક બની રહેશે. આ ભવ્ય કાર્યક્રમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ વિપુલ પંચોલી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે.

