કોસાડ આવાસમાં વિજ બિલના બાકી લેણાંના કેસો અંગે યોજાયેલ મોબાઈલ લોક અદાલતને મળી ઝળહળતી સફળતા

આગામી તા.૧૪-૦૩-૨૦૨૬ ના રોજ યોજાનારી લોક અદાલતના ભાગરૂપે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (નાલસા) ની અનુશ્રામાં, નામદાર ચીફ જસ્ટીશ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક શ્રી સુનિતા અગરવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ અને ન્યાયમૂર્તિ શ્રી એ.વાય.કોગ્ને તેમજ સુરત જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ અને ન્યાયમૂર્તિ શ્રી એ.એસ.સુપૈયાની પ્રેરણાથી સુરત જિલ્લાના મુખ્ય ન્યાયાધિશ શ્રી રાહુલ એ. ત્રિવેદીની સીધી દોરવણી-માર્ગદર્શન અને સૂચના મુજબ અગાઉ કોસાડ આવાસ ખાતે યોજાયેલ પ્રિ-કન્સીલીએશન મોબાઈલ લોક અદાલતની સફળતાને ધ્યાને રાખી પક્ષકારોને ઘરબેઠા ન્યાય મળી રહે અને પોતાના કેસ માટે કોર્ટ સુધી આવવું ન પડે તેવા સુગમ ઉદ્દેશને ધ્યાને રાખી ફરીથી દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ (ડી.જી.વી.સી.એલ.) તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના વિવિધ કોર્ટમાં પેન્ડીંગ વિજ બિલના નાની રકમનાં બાકી લેણાંના દાવાઓ સંદર્ભે ખાસ પ્રિ-કન્સીલીએશન મોબાઈલ લોક અદાલતનું તા.૨૭-૦૨-૨૦૨૬ ના રોજ સવારના ૦૮-૩૦ વાગ્યાથી કોસાડ આવાસ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી ડી. આર. જોષી, અનુભવી અને તટસ્થ મીડીએટર શ્રી જોબનપુત્રા તેમજ શ્રી નાગોરી, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની ટીમ, કોર્ટ સ્ટાફ, ડી.જી.વી.સી.એલ. તેમજ એસ.એમ.સી. ના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થળ ઉપર મોબાઈલ લોક અદાલત અંગે અગાઉથી નોટીસ ઈસ્યુ કરી પક્ષકારોને હાજર રહેવાની જાણ કરવામાં આવી હતી. વધુમાં, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની ટીમ દ્વારા સ્થળ ઉપર માઈકથી તેમજ પેમ્પલેટ વહેચણી કરી લોક અદાલતની જાગૃતિ ફેલાવવામાં આવેલ હતી. જેના કારણે પક્ષકારો ખુબ જ ઉત્સાહ દાખવી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્હયા હતા. કોસાડ આવાસ ખાતે કુલ-૧૬૯ કેસો આ મોબાઈલ લોક અદાલત સમક્ષ હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી ૨૧ પેન્ડીંગ સીવીલ દાવાઓ તેમજ ૫૬ પ્રિ-લીટીગેશન્સ કેસો મળી કુલ-૭૭ કેસોનો સ્થળ ઉપર જ નિકાલ થયેલ હતો અને કુલ રૂા. ૧૧,૫૮,૫૬૭/- રૂપિયાની રીકવરી સ્થળ ઉપર થયેલ હતી. આગામી લોક અદાલત સંદર્ભે ડી.જી.વી.સી.એલ.ના બાકી લેણાંના કેસોમાં પક્ષકારો વ્યાજ તેમજ પેનલ્ટી માફી મેળવી બાકી રહેતી રકમ સરળ હપ્તામાં ચૂકવણી કરી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ લાવી શકે છે. તેથી જાહેર જનતાને સદર યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

