Voice of Surat

ગુજરાતના 57થી વધુ તાલુકામાં છુટોછવાયો વરસાદ, સુરતમાં મેઘમહેર

Posted On: |1 min read
Voice of Surat News

ગુજરાતભરમાં તા.23 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે, આજે શુક્રવારે (17 જુલાઈ) સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. સુરતમાં સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા. જ્યારે વલસાડના કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સુરતમાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ઉધના, સચિન રોડ, વેસુ, અડાજણ, કતારગામ, અમરોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. અનેક જગ્યાએ પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી. 17 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 57થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 4 કલાકમાં 3 ઇંચથી વધુ, નવસારીના ખેરગામમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ, ભાવનગર, ડાંગના વઘઈ, વલસાડના ધરમપુર, પારડી સહિતના તાલુકામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 23 જુલાઈ સુધી તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.