Voice of Surat

'સુરત જિલ્લા રાહત પેકેજ' ઓનલાઈન પોર્ટલ પર અત્યાર સુધીમાં ૩,૮૫૭ અરજીઓ મળી: સર્વેની કામગીરી પ્રગતિમાં

Posted On: |3 min read
અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ પોર્ટલ પર login કરીને જોઈ શકે છે

સુરત શહેર-જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદ તેમજ પૂરને કારણે વાણિજ્ય, વેપાર અને સેવાકીય યુનિટોના અસરગ્રસ્તોને પુન:બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃવસન સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લારી, રેંકડી, કેબિન, નાની-મોટી દુકાનો સહિત કુલ ૭ કેટેગરી મુજબ સહાય જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારના માર્ગદર્શનમાં આર્થિક સહાય પૂરી પાડવાની આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને અસરગ્રસ્તો ઘરબેઠા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સુરત જિલ્લા રાહત પેકેજ' (SDRP-Surat District Relief Package) ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર શહેરી વિસ્તારમાંથી ૩,૬૭૯ તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭૮અરજીઓ મળી અત્યાર સુધીમાં કુલ ૩,૮૫૭ અરજીઓ નોંધાઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર શહેરી વિસ્તારમાં ઝોન મુજબ જોઈએ તો, સૌથી વધુ અરજીઓ ઈસ્ટ ઝોન-એ (વરાછા) વિસ્તારમાંથી ૧૨૫૧ મળી છે, ત્યારબાદ સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)માંથી ૮૦૩, ઈસ્ટ ઝોન-બી (સરથાણા)માંથી ૭૦૬, સાઉથ ઝોન-એ (ઉધના)માંથી ૪૪૯, નોર્થ ઝોન (કતારગામ)માંથી ૧૯૯, સાઉથ વેસ્ટ ઝોન (અઠવા)માંથી ૧૦૧, સેન્ટ્રલ ઝોનમાંથી ૧૦૯, સાઉથ ઝોન-બી (કનકપુર)માંથી ૫૮ અને વેસ્ટ ઝોન (રાંદેર)માંથી ૩ અરજીઓ મળી છે. જેની સ્થળ વિઝીટ અને સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા મુજબ જોઈએ તો, સૌથી વધુ ૧૨૬ અરજીઓ ચોર્યાસી તાલુકામાંથી મળી છે, ત્યારબાદ કામરેજ તાલુકામાંથી ૩૮, પલસાણા તાલુકામાંથી ૮, ઓલપાડ તાલુકામાંથી ૩ તથા બારડોલી, માંગરોળ અને માંડવી તાલુકામાંથી ૧-૧ અરજી મળી છે. જેની સ્થળ વિઝીટ અને સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ પોર્ટલ પર મળેલી તમામ અરજીઓ સામે હવે સંબંધિત વ્યવસાયના સ્થળ પર સર્વેયર દ્વારા રૂબરૂ ચકાસણીની કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે, સર્વેયર દ્વારા સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સંબંધિત કમિટી દ્વારા અરજી અંગે નિર્ણય લઈ સહાય ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ પોર્ટલ પર login કરીને જોઈ શકે છે. ઉચ્ચક રોકડ સહાય (કેટેગરી ૧ થી ૪) માટે અરજી કરવાની અંતિમ તારીખ ૩૦/૦૯/૨૦૨૬ છે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવ તારીખથી ૬ મહિના સુધી (દા.ત.તા.૧૫/૭/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૭ સુધી) અરજી કરી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા અસરગ્રસ્તોને પણ સમયમર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

*‘સુરત જિલ્લા રાહત પેકેજ’માં આ રીતે અરજી કરો*

રાજ્ય સરકાર દ્વારા તા.૧૫મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃ વસન સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાન એમ કુલ-૭ પ્રકાર મુજબ અલગ અલગ સહાય જાહેર કરવામાં આવી છે. કેટેગરી-૧ થી ૪ મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-૫ થી ૭ મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓનલાઈન પોર્ટલhttps://sdrp2026.inશરૂ કરવામાં આવ્યું છે. ’સુરત જિલ્લા રાહત પેકેજ’ (Surat District Relief Package) નામથી આ ઓનલાઈન પોર્ટલની લિંક સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટhttps://surat.gujarat.gov.inતેમજhttps://surat.nic.in/અને સુરત મનપાની વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/માં POP UP તરીકે મૂકવામાં આવી છે. આ લિન્ક પર ક્લિક કરીને મોબાઈલ નંબરના આધારે login કરી નામ-સરનામું, ધંધા-વ્યવસાયના સ્થળની વિગત તેમજ લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાનનો પ્રકાર તેમજ થયેલ નુકસાનીની વિગત અને બેન્ક એકાઉન્ટની વિગત ભરીને સહાય અરજી કરી શકાશે.