Voice of Surat

હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા અને દંડ : સુરત સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

Posted On: |3 min read
ચાર વર્ષ જુના ચકચારિત હત્યા કેસમાં આરોપી પુરાવાના અભાવે છુટી ગયો, પરંતુ સેશન્સ કોર્ટે આરોપીને મદદ કરવા બદલ સાક્ષીઓ સામે સી.આર.પી.સી. કલમ - ૩૪૪ મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરી

હત્યા કેસના આરોપીને લાભ પહોંચાડવાના બદઇરાદાથી જાણી જોઇને સોગંદ પર ખોટો પુરાવો આપનાર છ સાક્ષીને અત્રેની કોર્ટે એક માસની સજા કટકારી છે. સુરત સેશન્સ કોર્ટના આ ઐતિહાસિક હુકમથી કોર્ટમાં આવીને ફરી જતાં સાક્ષીઓ બાબતે ચર્ચાસ્પદ વાતાવરણ જોવા મળ્યું હતું.

કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ૫/૧૧/૨૦૨૧ ના રોજ કતારગામ સ્થિત ભગવાન નગર સોસાયટીમાં કાળુ ઉર્ફે કિશન બારૈયા નામના યુવાનની હત્યા થઇ હતી. જે ગુનામા પોલીસે દિપેશ ઉર્ફે બાબુ કંટારીયા (રહે. ભગવાન નગર સોસાયટી, કતારગામ) ની ધરપકડ કરી અત્રેની કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં સરકાર તર્ફે એપીપી દીપેશ દવેએ દલીલ કરી હતી. જ્યારે મુળ ફરિયાદી તર્ફે એડવોકેટ અશ્વિન જે. જોગડિયા અને કાજલ એમ. વાઢેળે લેખિત દલીલો રજૂ કરી હતી. કેસની ચાલુ ટ્રાયલમા મહત્વના સાક્ષી ઓ ફરી ગયા હતાં અને પોલીસ રૂબરૂના નિવેદનથી વિરૂધ્ધ જુબાની આપી હતી. જેનો લાભ આરોપીને મળ્યો હતો. ચાર વર્ષ જુના ચકચારિત આ હત્યા કેસમાં આરોપી પુરાવાના અભાવે છુટી ગયો હતો. પરંતુ બીજી બાજુ સેશન્સ કોર્ટે આરોપીને મદદ કરવા બદલ સી.આર.પી.સી. કલમ - ૩૪૪ મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી? તે બાબતની કારણ દર્શક નોટીસ છ સાક્ષીઓને ફટકારી હતી. જેમાં નિખીલ ઉર્ફે ખાટો નાનજીભાઇ મારૂ (રહે. ભગવાનનગર સોસયટી, કતારગામ), કરણ ઉર્ફે કલ્લુ દિનેશભાઇ રાઠોડ (રહે. વિહાણ સોસાયટી-૧, કતારગામ), ગૌતમ કાળુભાઇ ગોહિલ ( રહે. ભગવાનનગર, કતારગામ), ધર્મેશ હિંમત ભાઇ મિયાત્રા (રહે. ભગવાનનગર, કતારગામ), કિરણ નરેશભાઇ અણજારા (રહે. ભગવાનનગર, કતારગામ) પુજાબેન અમરતભાઇ લક્ષ્મણભાઇ નાગરની દિકરી (રહે. ગજાનદ પેલેસ, ભરીમાતા રોડ, સુરત)નો સમાવેશ થાય છે. બન્ને પક્ષકરોને સાંભળ્યા બાદ કોર્ટે આજે ઉપરોક્ત તમામ સાક્ષીઓને એક માસની સાદી કેદની સજા તથા રૂ. ૩૦૦ નો દંડ કર્યો હતો, અને જો દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો.

કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

''ખૂન જેવા ગંભીર ગુનામાં જયારે મહત્વના સાહેદો સોગંદ ઉપર ખોટી હકીકત જાહેર કરે અને તે કારણે તેનો લાભ આરોપીને મળી જાય તો તેવા સંજોગોમાં સાહેદોની આ વર્તણૂંકને લેશમાત્ર હળવાશથી લઇ શકાય નહી અને જો હળવાશથી લેવામાં આવે તો કોઇપણ વ્યકિત પોતાની મરજી મુજબ ન્યાયની અદાલતમાં સોગંદ લઇને ખોટી હકીકતો જણાવે જે ન્યાયની પ્રક્રિયા ઉપર સીધી તરાપ મારવા સમાન છે અને આવી વર્તણૂંકને કયારેય માન્યતા આપી શકાય નહી. જેથી આ પ્રમાણે ઇરાદાપૂર્વક ખોટો પુરાવો આપનાર સાહેદો સામે પણ કડક હાથે કામ લેવુ પડે જેથી ન્યાયની અદાલત સમક્ષ તમામ વ્યકિતઓ સત્ય હકીકત જણાવે અને ન્યાયની પ્રક્રિયાનો દુરૂપયોગ થતો અટકાવી શકાય અને ત્યારે જ સામાન્ય જન માનસમાં ન્યાયની પ્રક્રિયામાં જે વિશ્વાસ છે તે ટકી શકશે અન્યથા સામાન્ય જન માનસ ઉપર ન્યાયની પ્રક્રિયા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને આવા સંજોગોમાં કાયદાથી વરેલા સમાજ માટે ખુબજ ગંભીર અને ખરાબ અસર પહોંચાડનાર બની જશે. આમ, આ સંજોગોમાં ન્યાયની અદાલતે આ પ્રકારની ઇરાદાપૂર્વક થતી ખોટી કાર્યવાહી સામે મુકપ્રેક્ષક બનીને બેસી ન રહે અને કડક હાથે આવા સાહેદોને યોગ્ય દંડ, સજા કરે તે પણ જોવાની આ અદાલતની પવિત્ર ફરજ છે.''