Voice of Surat

કઠોરની ખેતીની જમીન અંગે કાકા–ભત્રીજા વચ્ચેના વારસાઈ વિવાદમાં રેવન્યુ કોર્ટનો મહત્વનો હુકમ, સિવિલ કોર્ટના ચુકાદા સુધી યથાવત સ્થિતિ

Posted On: |2 min read
Voice of Surat News

સુરત જિલ્લાના અબ્રામા તાલુકા ખાતે આવેલ કઠોર ગામના બ્લોક નં. ૪૬૯ની ખેતીની જમીનને લઈને એક જ પરિવારના કાકા–ભત્રીજા વચ્ચે ચાલતા વારસાઈ વિવાદમાં નાયબ કલેકટર, સીટી પ્રાંત (ઉત્તર), અડાજણ, સુરતે મહત્વનો અને નિર્ણાયક હુકમ આપ્યો છે. આ મામલે ભત્રીજા સોહેલ મલેક તરફે હાજર રહેલા એડવોકેટ મો.અમીન એ. મેમણની મજબૂત કાયદેસર દલીલોને ધ્યાનમાં લઈ, સિવિલ કોર્ટના અંતિમ ચુકાદા સુધી રેવન્યુ રેકોર્ડમાં હાલની સ્થિતિ યથાવત્ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પ્રશ્નિત જમીન અંગે મર્હુમ ઝુબેદાબીબીના અવસાન બાદ ગામ દફતરે વારસાઈ નોંધ પાડવામાં આવી હતી. આ નોંધ સામે કાકા અહમદ મલેક દ્વારા વાંધા ઉઠાવવામાં આવતા મામલો કાયદાકીય વળાંક લઈ નાયબ કલેકટર કોર્ટ સુધી પહોંચ્યો હતો.કાકા તરફેથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે મર્હુમ ઝુબેદાબીબીએ પોતાના હિસ્સાની જમીન અંગે વસિયતનામું કરીને હક સોંપ્યો છે. જ્યારે બીજી તરફ ભત્રીજા સોહેલ મલેક તરફે એડવોકેટ મો.અમીન એ. મેમણ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ શરીયત મુજબ મૌખિક બક્ષિસ (હિબા) સંપૂર્ણપણે માન્ય છે, અને મર્હુમ દ્વારા પોતાના હિસ્સાનો ભાગ જીવંત અવસ્થામાં જ ભત્રીજાના ફાળે આપી દેવાયો હતો. ઉપરાંત વર્ષોથી જમીનનો વાસ્તવિક કબજો પણ ભત્રીજાની પાસે રહ્યો હોવાનું કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.પ્રતિવાદી પક્ષે વધુમાં આ મુદ્દે ભાર મૂક્યો હતો કે મુસ્લિમ કાયદા મુજબ કોઈ વ્યક્તિ પોતાની સમગ્ર મિલકત અંગે વસિયત કરી શકતી નથી અને મિલકતના હક–હિસ્સા અંગે અંતિમ નિર્ણય કરવાની સત્તા રેવન્યુ કોર્ટને નહીં પરંતુ સિવિલ કોર્ટને છે.નાયબ કલેકટરશ્રીએ તમામ રેવન્યુ રેકોર્ડ, દસ્તાવેજો તથા દલીલોનું અવલોકન કરીને નોંધ્યું હતું કે જો હાલ રેવન્યુ નોંધ મંજૂર કરવામાં આવે તો એક જ જમીન બાબતે અલગ–અલગ કોર્ટોમાં અનેક કાર્યવાહી ઊભી થવાની સંભાવના છે. આથી રેવન્યુ ફેરફાર નોંધ નામંજુર રાખી સિવિલ કોર્ટના ચુકાદા સુધી હાલની સ્થિતિ યથાવત્ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.