ખાનગી ફરિયાદમાં અપીલ માટે હાઇકોર્ટથી મુક્તિ, સેશન્સમાં જ અપીલ થઇ શકશે

ચેક રિટર્નના કેસોમાં હવે ફરિયાદીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવાની જરૂર નથી. ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને અપીલ કરનાર પોતે ભોગ બનનાર હોવાનું ટાંકીને તેઓને સ્થાનિક કોર્ટમાં જ અપીલ કરવાની સત્તા આપતા હવે ગુજરાત રાજ્યના હજ્જારો લોકોને રાહત થશે.
કોર્ટ સંકુલ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચેક રિટર્નની ફરિયાદોમાં જ્યારે ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે ત્યારે ફરિયાદીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૭૮ અને નવા કાયદા પ્રમાણે બીએનએસની કલમ ૪૧૯ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવાની હોય છે. જાન્યુઆરી-૨૦૨૬માં સુપ્રીમ કોર્ટના "શિવસિંહ ગણપતસિંહ સોલંકી વિરુદ્ધ ગુજરાત રાજ્ય"ના ચુકાદાને ટાંકીને રજૂઆત કરાઈ હતી. જેમાં અપીલકર્તા એટલે કે ફરિયાદી પોતે ભોગ બનનાર હોય છે અને તે પક્ષકાર બની જાય છે. આવા સમયમાં ફરિયાદીને સ્થાનિક કક્ષાએ જ રજૂઆત કરી શકે તે માટેની દલીલો થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ અપીલ પરવાનગીને મંજૂર કરી હતી અને બીએનએસની કલમ-૪૧૯(૪) હેઠળ સ્થાનિક સેશન્સ કોર્ટમાં જ અપીલ કરી શકશે તેવો હુકમ કર્યો હતો. આ ચુકાદાના કારણે સમય અનેરૂપિયા બંનેની બચત થશે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં થતી અપીલના કેસોનું ભારણ પણ ઘટશે, આ ઉપરાંત ફરિયાદીને સ્થાનિક કક્ષાએ જ રજૂઆત કરવાનો તેમજ પુરાવા રજૂ કરવાનો યોગ્ય સમય મળી રહેશે.
આરોપી નિર્દોષ છૂટે ત્યારે ફરિયાદી ભોગ બને.
આ અંગે વકીલ અશ્વિન જોગડિયાએ જણાવ્યું હતું કે, ચેક રિટનના કેસોમાં આરોપીને નિર્દોષ છોડી મુકાઈ ત્યારે બીએનએસએસની કલમ-૪૧૯(૪) મુજબ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઇ છે. પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, આરોપી નિર્દોષ છૂટી જાય ત્યારે ફરિયાદી ભોગ બનનારની વ્યાખ્યામાં આવે છે. બીએનએસએસની કલમ-૪૧૩માં ભોગ બનનાર સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે તેવી જોગવાઇ છે. એક કેસમાં ગુજરાત હાઇ કોર્ટમાં અપીલ થઇ ત્યારે હાઇકોર્ટે આ ચુકાદાને આધારે અપીલને સુરતની સ્થાનિક કોર્ટમાં ટ્રાન્સફર કરીને ચલાવવા માટે જણાવ્યું હતું. જેથી મૂળ ફરિયાદી તરફે ફરીવાર સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે. આ ચુકાદાથી હવે જો આરોપી નિર્દોષ છૂટી જાય તો ફરિયાદી સીધા સેશન્સ કોર્ટમાં અપીલ ફાઇલ કરી શકશે, જેનાથી ફરિયાદીનો સમય તેમજ નાણાં બંનેની બચત થશે.

