અધધ...રુા.3.6 લાખ કરોડની મેગા ડિફેન્સ ડીલને લીલી ઝંડી

ભારતીય લશ્કરી દળોની ક્ષમતામાં વધારો કરવા માટે સરકારે 114 રાફેલ યુદ્ધવિમાનો અને છ બોઇંગ P8-I સર્વેલન્સ વિમાન સહિત કુલ ~ 3.6 લાખ કરોડના શસ્ત્રોની મેગા ખરીદીને મંજૂરી આપી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ ખરીદી સોદો છે. ફ્રાન્સ પાસેથી સરકાર-સરકાર વચ્ચેના માળખા હેઠળ 18 રાફેલ વિમાનની સીધી ખરીદી કરાશે, જ્યારે બાકીના વિમાનનું ભારતમાં ઉત્પાદન થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. તેમાં અમેરિકામાં ઉત્પાદિત વધારાના છ બોઇંગ P8-I સર્વેલન્સ વિમાનની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સરકાર કુલ ~3.60 લાખ કરોડના લશ્કરી શસ્ત્રોની ખરીદી કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ રાફેલની ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશન ઉડ્ડયન માટે સજ્જ હોય તેવા 18 વિમાનો પૂરા પાડશે. બાકીના વિમાનોનું સ્વદેશી સામગ્રી સાથે ભારતમાં ઉત્પાદન કરાશે. આ વિમાન તબક્કાવાર ધોરણે મિલિટરીમાં સામેલ કરાશે. સંરક્ષણ મંત્રાલયે ખરીદીનો ખર્ચની વિગતો આપી ન હતી, પરંતુ તે ~2.90 લાખ કરોડથી ~3.15 લાખ કરોડની રેન્જમાં હોવાની ધારણા છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના ભારત પ્રવાસના ચાર દિવસ પહેલા રાફેલ વિમાનો ખરીદવાની આ દરખાસ્તને મંજૂરી અપાઈ છે. રાફેલ ખરીદી યોજના પર પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં ટૂંક સમયમાં ચર્ચા થવાની ધારણા છે. મેક્રોનના પ્રવાસ દરમિયાન ભારત અને ફ્રાન્સ સરકાર વચ્ચે આ પ્રોજેક્ટ પર કરાર થવાની ધારણા છે. જોકે વર્ષના અંત પહેલા આ સોદા હેઠળ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેવી ઓછી શક્યતા છે, કારણ કે સંરક્ષણ મંત્રાલયે હવે શસ્ત્રોના પેકેજની કિંમત અને બારીક વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે દસોલ્ટ એવિએશન સાથે વાટાઘાટો કરવી પડશે. રાફેલ જેટ વિવિધ પ્રકારના શક્તિશાળી શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. આ રાફેલ વિમાનો યુરોપની મિસાઇલ કંપની MBDAની હવાથી હવામાં પ્રહાર કરતી મીટિઓર મિસાઇલ અને સ્કેલ્પ ક્રુઝ મિસાઇલોથી સજ્જ હશે. મીટિઓર મિસાઇલો હવામાંથી હવામાં પ્રહાર કરે છે અને તે દુશ્મના રડારમાં દેખાતી નથી.
એપ્રિલ 2019માં ઇન્ડિયન એરફોર્સે આશરે 18 અબજ ડોલરના ખર્ચે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) ખરીદવા માટે RFI (માહિતી માટે વિનંતી) અથવા પ્રારંભિક ટેન્ડર જારી કર્યાં હતાં. તેને તાજેતરના વર્ષોમાં વિશ્વના સૌથી મોટા લશ્કરી ખરીદી કાર્યક્રમ ગણવામાં આવે છે. આ મેગા પ્રોજેક્ટના અન્ય દાવેદારોમાં લોકહીડ માર્ટિનના F-21, બોઇંગના F/A-18 અને યુરોફાઇટર ટાયફૂનનો સમાવેશ થાય છે. ભારતીય એરફોર્સના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા સત્તાવાર રીતે મંજૂર કરાયેલી 42થી ઘટી 31 થઈ ગઈ છે ત્યારે આ વિમાનો ખરીદવાની હિલચાલ કરાઈ છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના માટે મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) રાફેલ, કોમ્બેટ મિસાઇલો અને એર-શિપ આધારિત હાઇ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ (AS-HAPS)ની ખરીદીની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. MRFAની ખરીદીથી સંઘર્ષ દરમિયાન હવાઈ પ્રભુત્વ મેળવવાની ક્ષમતામાં વધારો થશે. તેનાથી દુશ્મના હુમલાના સમયે દેશની સુરક્ષા કરવાની એરફોર્સની ક્ષમતા પણ વધશે. ખરીદવામાં આવનાર મોટાભાગની MRFAનું ઉત્પાદન ભારતમાં થશે. કોમ્બેટ મિસાઇલો દૂરના ટાર્ગેટ સુધી સચોટ પ્રહાર કરાવની ક્ષમતામાં વધારો કરશે. હાઇ એલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટથી લશ્કરી હેતુ માટે ગુપ્ત માહિતી મેળવવા અને સર્વેલન્સમાં વધારો કરવામાં મદદ મળશે. આ આર્મી માટે એન્ટી-ટેન્ક માઇન્સ (વિભાવ), T-72 ટેન્ક અને ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ (BMP-II)ની ખરીદી તથા આર્મર્ડ રિકવરી વ્હીકલ્સ (ARVs)ના વ્હિકલ પ્લેટફોર્મમાં સુધારાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. ભારતીય નૌકાદળ માટે ચાર મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન આધારિત ઇલેક્ટ્રિક પાવર જનરેટર અને P8I લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ માટે મંજૂરી અપાઈ છે.
HAL સાથે ડોર્નિયર 228 વિમાન ખરીદવા રૂ.2,312 કરોડની ડીલ
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટે આઠ ડોર્નિયર 228 વિમાન અને ઓપરેશનલ રોલ ઇક્વિપમેન્ટની ખરીદી માટે રૂ.2,312 કરોડના મોટા સોદા પર પણ હસ્તાક્ષર કર્યા હતાં. નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં બાય ઇન્ડિયન કેટેગરી હેઠળ HALના કાનપુર સ્થિત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ડિવિઝન સાથે કરાર પર હસ્તાક્ષર કરાયા હતાં. આ નાણાકીય વર્ષમાં સરકારે HAL સાથે કરેલો આ બીજો મોટો સોદો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) Mk1Aની ખરીદી માટે HALને રૂ.62,370 કરોડ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

