હજીરામાં 173 હેક્ટર જમીનમાં દબાણ કરવા બદલ આર્સેલર મિત્તલને 106.8 કરોડનો દંડ!!

રાજ્યમાં નવા ઔદ્યોગિક એકમો નીતિ-નિયમોનું સરિયામ ઉલ્લંઘન કરતા હોય છે. સુરતમાં હજીરા ખાતે વિશ્વ વિખ્યાત કંપની આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયાએ દરિયા કિનારાની મોકાની જમીન અને સરકારી પડતરની જંગી જમીન ઉપર કબજો કર્યાની જાણ સરકારના ધ્યાન પર આવતા કંપનીને કુલ 106.82 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિધાનસભામાં કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા મહેસૂલ વિભાગને ડિસેમ્બર 2025ની સ્થિતિએ હજીરા ખાતે આર્સેલર મિત્તલ સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગેરકાયદે દબાણ અને જમીન ઉપર કબજો જમાવી દીધો હોવા મામલે તારાંકિત સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના લેખિત જવાબમાં વિભાગે જણાવ્યું હતું કે, કુલ ક્ષેત્રફળ હેક્ટર 78-04-10 ચોરસ મીટર સરકારી પડતર જમીન પૈકી 62-56-81 હેક્ટર ચોરસ મીટર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. તે અંગે મહેસૂલ અધિનિયમની કલમ મુજબ કેસ ચલાવતા કુલ 106,82,61,220 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવા જાન્યુઆરી-2025 અને ફેબ્રુઆરી- 2025માં કુલ 15 જેટલા હુકમ કરવામાં આવ્યા હતા, મામલતદાર-ચોર્યાસી દ્વારા તપાસ દરમિયાન સરકારી બિન નંબરી દરિયા કિનારા અને સરકારી પડતર જમીન પર અંદાજિત 173 હેક્ટર જમીનમાં દબાણ જણાતા કંપની સામે મહેસૂલી અધિનિયમ મુજબ કુલ 9 કેસ અંગે કાર્યવાહી ચાલુ છે. જો કે મહેસૂલ વિભાગે 106,82 કરોડના દંડ સામે કુલ કેટલી રકમની વસૂલાત કરવામાં આવી તેનો દંડ કરાયાના લગભગ એક વર્ષ પછી વિધાનસભામાં જવાબ આપતી વખતે પણ ફોડ પાડયો ન હતો. એટલું જ નહીં કેટલી જમીન ખુલ્લી કરાવી અને કેટલી 1 જમીનનો કબજો પરત લેવાયો તે અંગે પણ કાર્યવાહી ચાલુ હોવાનો સરકારી જવાબ આપ્યો હતો. તો સરકારી જમીન ઉપર કબજો જમાવ્યો હોવાથી લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધવામાં આવ્યો નહીં હોવાનું પણ જવાબમાં જણાવ્યું હતું. ફક્ત મહેસૂલી અધિનિયમ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવાનું -મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.

