Voice of Surat

વિકસિત ગુજરાતનું લક્ષ્યઃ પાંચ સ્તંભો અને GYAN આધારિત રૂ.4.08 લાખ કરોડનું બજેટ

Posted On: |5 min read
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.210 કરોડની રાહતો સાથેનું ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ રજૂ કર્યું

રાજ્ય વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ પટેલે ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું કુલ રૂ.4,08,053 કરોડનું કદ ધરાવતું બજેટ રજૂ કર્યું હતું. જે વર્ષ 2025-26ના કુલ રૂ.3,70,803 કરોડના બજેટ કરતાં 10.2 ટકા વધુ છે. આ બજેટમાં તેમણે રૂ.210 કરોડની રાહતો જાહેર કરી છે. જ્યારે એકપણ રૂપિયાનો કોઈ નવો વેરો લાદ્યો નથી. આ બજેટમાં એકંદરે અંદાજિત પુરાંત રૂ.974 કરોડ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એટલે કે ‘GYAN’ને ધ્યાનમાં લેવાા છે, તો બીજી બાજુ આ બજેટને મુખ્ય 5 સ્તંભોને આધિન તૈયાર કરાયું છે. જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથને કેન્દ્ર સ્થાને રખાયા છે.

વર્ષ 2026-27 માટે કુલ બજેટમાંથી રૂ.2,71,602 કરોડની મહેસૂલી આવક અને રૂ.2,46,016 કરોડ મહેસૂલ ખર્ચ દર્શાવાયો છે અર્થાત વર્ષાન્તે કુલ રૂ.25,586 કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઈ છે. આ બજેટનો સારાંશ એ માની શકાય કે, આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો છે. શિક્ષણથી લઈને સેમિકન્ડક્ટર સુધી અને ખેતીથી લઈને ઓલિમ્પિક સુધીના તમામ પાસાઓને આવરી લઈને સરકારે ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂત ડગ માંડ્યા છે. એવી જ રીતે આ બજેટ ગુજરાતને ‘વિકસિત ગુજરાત’ તરફ લઈ જવાની દિશામાં એક મક્કમ ડગલું માની શકાય. કેમ કે, એમાં વેપારીઓ માટે ટેક્સ પ્રક્રિયાનું સરળીકરણ અને સામાન્ય જનતા માટે ઇલેક્ટ્રિક વાહનો પરની રાહત એ આ બજેટના સૌથી આકર્ષક પાસાં રહ્યા છે. જેમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિફોર્મ એક્સપ્રેસના રોડમેપને અનુસરીને, ગુજરાતના નાણામંત્રીએ GST પ્રક્રિયામાં મોટા સુધારા અને પર્યાવરણની જાળવણી માટે મહત્વની જાહેરાતો કરી છે.

નાણામંત્રીએ આ બજેટમાં આગામી 5 વર્ષ માટે ₹50,000 કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’ની જાહેરાત સાથે સરકારે રાજ્યના લાંબાગાળાના વિકાસની મજબૂત કલ્પના કરી છે. જેમાંથી ચાલુ વર્ષ માટે હાઈ-સ્પીડ કોરિડોર, રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને એક્સપ્રેસ-વે જેવા પ્રોજેક્ટ્સ માટે ₹10,000 કરોડ પ્રસ્તાવિત છે. પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા સ્ટેટ એક્સપ્રેસ-વે માટે 3000 કરોડ અને રેલવે કનેક્ટિવિટી વધારવા અમદાવાદ-સુરત વચ્ચે ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS)ની સ્થાપના કરવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ ₹19,116 કરોડની ફાળવણી કરાઈ છે. સુરત અને અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ₹200 કરોડ ફાળવ્યા છે.

જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાના વિકેન્દ્રીકરણની શરૂઆત જામનગરથી

પહેલા જામનગરના વેપારીઓને બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જૂનાગઢ સુધી લાંબા થવું પડતું હતું. આ સમસ્યાના ઉકેલ રૂપે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. 26મી, ૨૬ જાન્યુઆરી, 2026થી જામનગર ખાતે અઠવાડિયામાં બે દિવસ બાયોમેટ્રિક અને વેરિફિકેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારીને આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ તેમજ પાટણ ખાતે પણ આવી જ વ્યવસ્થા ઊભી કરાશે.

GST આવક 12% વધી, કરદાતા 8% વધ્યા

GST તંત્રની કાર્યદક્ષતાને કારણે ગત નાણાકીય વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં ટેક્સ કલેક્શનમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં GST હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યામાં 8 ટકાનો વધારો થયો છે, જે હવે વધીને 13.69 લાખ પર પહોંચી છે.

GST રિટર્ન ભરવામાં ગુજરાત સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમે રહ્યું છે, જે રાજ્યના વેપારીઓની શિસ્ત અને પ્રામાણિકતા દર્શાવે છે.

ગ્રીન ગ્રોથ : ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં 210 કરોડની મોટી રાહત

પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાનના ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વાહનો (EV)ને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો ઉપર જે 5 ટકાની ઉચ્ચક વાહન વેરામાં રિબેટ આપવામાં આવતી હતી, તેની મુદત એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ રિબેટને કારણે હવે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓએ માત્ર 1 ટકા લેખે જ વેરો ભરવાનો રહેશે. આ નિર્ણયથી રાજ્યની જનતાને અંદાજે ~ 210 કરોડ જેટલી મોટી આર્થિક રાહત મળશે.

GST 2.0 અને ‘રીફોર્મ એક્સપ્રેસ’ : વેપારીઓ માટે મોટી જાહેરાતો

ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ચાલુ વર્ષમાં રાજ્યની જનતાને અંદાજે રૂ.11,000 કરોડ જેટલો સીધો ફાયદો થશે. કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે માટે, જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની 90 ટકા રકમ માત્ર 7 દિવસમાં ‘પ્રોવિઝનલ રિફંડ’ તરીકે ચૂકવાશે નાના વેપારીઓ જેઓ દર મહિને રૂ.2.5 લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે છે, તેમને માત્ર 3 દિવસમાં GST નંબર મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે 52,000 વેપારીઓએ આ યોજનાનો લાભ લીધો છે